એનડીડીબી-એક અનુભવનો ખજાનો! 

રાષ્ટ્રિય ડેરી વિકાસ બોર્ડ એટલે નવોદિત અનુભવોનો ખજાનો! નેતૃત્વ શક્તિ થી માંડીને શિસ્ત તથા પડકારોનો સામનો કરવા અંગેના પ્રાયોગિક પાઠો ત્યા શીખવા મલે અને આત્મવિશ્વાસ આત્મસાત થતો રહે ! અને એટલે જ મારા જીવનનો સુવર્ણ કાલ મારા એનડીડીબી ના કાર્યકાલ દરમ્યાન મને સતત આનંદ આપવા સાથે પરિપક્વ કરતો રહ્યો.

આમ તો કેટકેટલા નવોદિત અનુભવો મને મારા કાર્ય કાળ દરમ્યાન થતા રહ્યા તેમાંનો એક સુંદર અને સંવેદનશીલ અનુભવ ને અહી કંડારતા મને હર્ષ થાય છે.અતિતના ઉંડાણમાં ડોકિયું કરતાં,1985-86 ના વર્ષ માં તે વખતના ભારતના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા એનડીડીબીના ચેરમેનશ્રી કુરિયન સાહેબને એક પડકારજનક પ્રોજેકટ સોપવામાં આવેલ જે તે સમયના ટેકનોલોજી મિશન અંતર્ગત લેવામાં આવેલ જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સામાજીક રીતે પછાત લોકોને ફાલવવા મા આવેલ એક રૂપિયા માંથી કેટલી રકમ વાસ્તવમાં પહોંચે છે તેનો એક સાર્વત્રિક સર્વે કરવા નુ કપરૂં અને પડકારજનક કામ હતું!

સમગ્ર દેશના વિવિધ રાજયો ના સેમ્પલ લઇને આ સર્વે ગામડાં મા વસતાં જુદા જુદા 10 પ્રકારના વર્ગો ને લઇને કરવામાં આવેલ હતો.

એનડીડીબી ના મહદ અંશે ગુજરાતી જાણતા અધિકારીઓનો સમાવેશ કરી અલગ અલગ ટીમ બનાવી તેમને રાજયના વિવિધ જિલ્લા ઓમાં મોકલવા મા આવેલ હતા.

અમારી ટીમ દ્વારા દક્ષિણ ગુજરાતનો આર્થિક રીતે પછાત વલસાડ જિલ્લો પસંદ કરવા મા આવેલ હતો.અમે વલસાડ તાલુકાના ધરમપુર ગામમાં સર્વેનો પ્રારંભ કરેલ અને નિવાસ સ્થાન ચિખલી ખાતે અલીપુર મા રાખેલ હતું.

ધરમપુર ગામમાં પ્રવેશ કરતા જ તેની ભૂગોળનો અંદાજ અમને આવી ગયો પહાડ અને ટેકરી ઉપર વસતાં આદિવાસી લોકોનાં છૂટાછવાયા ઘર હતા અને મજૂરી તેમનો વ્યવસાય હતો.નાના નાનાં ઝુંપડા મા વસતાં આદિવાસી ના ઘરે જતાં જ શરુઆતમાં તેઓ ડરી ગયા અને તેમને પકડી જશે તેઓ ભય સેવી રહ્યા હતાં. અમે તેમને અમારાં આવવાનો હેતું અમારી સાથે આવેલ લોકલ માણસ તેમજ અમારા દ્વારા સરલ રીતે સમજાવવામાં આવ્યો હતો અને પછી તેઓ ખૂલીને વાત કરતા થયા!અમોને એટલો સુંદર આવકાર આપ્યો અને તેમની શક્તિ પ્રમાણે ભોજનનો પ્રબંધ કર્યો જેમાં લાગી નામના અનાજનાં રોટલા અને ચટણી ભાવભીના થઇને અમોને પીરસી હતી ,મિઠાશ તો એટલી ન પૂછો વાત અમે આગલી ચાટતા રહી ગયા !

આ રીતે સર્વેની યાત્રા શરૂ થઈ!ગામનાં સરપંચને મલ્યા તો એવુ લાગ્યુ જાણે કે તે ગામનો રાજા હતો ,કરીયાણાની દુકાન પણ ચલાવે અને સ્કુલ નો પણ સર્વે સર્વા! લોકોને મલતી મદદ જેવી કે છાપરા,નલિયા અને ઇંટો લોકોનાં નામે તેમને ત્યા પહોંચી જતી અને બારોબાર હિસાબ થઇ જતો તેવું લોકો એ જણાવ્યું જે અમારા માટે મોટું અચરજ પમાડે તેવું હતું!

ગામમાં એક મિશનરી સ્કુલ પણ હતી પરન્તુ બહું ઓછાં બાલકો તેમા જતા અને લોકો ગભરાતા અને કહેતા હતા કે સાહેબ ત્યા તો છોકરાઓને ઇસાઇ બનાવી દે છે તમો ત્યા જતા નહી આ રીતે અમોને ગામમાં ચાલતી વટાલ પ્રવૃતિ વિષે જાણવાં મલયુ!

અમારા આશચરય વચ્ચે અમોને મહુડાના ઝાડની નીચે બાંધવામાં આવેલ એક ઝૂંપડીમાં લઇ જવામાં આવ્યા જયાં કાળાં થયેલ ડબ્બા પડેલ હતાં અને પુછપરછ કરતાં જાણ થઈ કે ત્યા મહુડાનો દારુ ગાળવાની ભઠ્ઠી હતી! અમારા જવાથી લોકોમાં ભગદડ મચી ગઇ,તેઓને લાગ્યુ કે સરકારી બાબુઓ રેડ પાડવાં આવ્યા છે!પરન્તુ,અમે તેઓને અમારા આવવાનું કારણ સમજાવ્યું.

અહી કેટલાંક પીધેલા લોકો હતા ,બવાલ કરી અંદરોઅંદર ઝગડતા હતા,એકબીજાને ગાળો ભાંડતા હતાં અમો આ દરશય જોઈ રહ્યા હતાં દુખ અને વિસ્મય સાથે હતાં! પૂછપરછ કરતાં જણાયું કે તેઓ મહુડામાથી દેશી દારૂ બનાવી વેચતા હતા.અહી ગ્રાહકો શીશો લઇને આવતા હતા અને પાંચ રૂપિયા મા દારૂ લઇ જતા હતાં,શિક્ષણનુ પ્રમાણ નહિવત્ હોવાથી આવી અનેક સામાજિક બદીઓના લોકો ગુલામ હતાં!

અમે તો દિગમૂઢ થઇ ગયા જયારે છેવાડા ના ગામ દિક્ષલની મુલાકાત લીધી! અમારા પ્રવેશ સાથે લોકો ડરીને આઘાપાછા થઈ ગયા,કપડાં માત્ર નામના પહેર્યા હતાં,સ્ત્રીઓ પણ અહીં ચિકાર દારૂ પીતી હતી !લોકોએ બુમાબુમ કરી મૂકી રાજીવ ગાંધી આયા છે! આવા અતિશય પછાત ગામડાની બિસ્માર હાલત જોઈ મારી આંખો માં આંસુ ના તોરણો બંધાણા,આ હતી આદિવાસી પછાત ગામોની અસહ્ય હાલત!

લગભગ દસ દિવસમાં અમારો સર્વે પૂરો થયો કડવાં મીઠાં અનેક અનુભવો થયા અને પછી આ સર્વે ના જયારે પરિણામ જાહેર થયા તો એવું તારણ આવ્યુ કે સરકાર દ્વારા મદદના એક રૂપિયા માંથી માત્ર પંદર પૈસા લોકોને પહોંચે છે જયારે પંચાસી પૈસા વચેટીયાઓ આરોગી જાય છે આ આપણા ભારતની વરવી ન ગમે તેવી છબી સામે આવી! ભ્રષ્ટાચાર ના ભોરિગે કેવો જીવલેણ ભરડો લીધો છે તે જોય ને હૈયું દ્રવી જાય છે !


Loading

%d bloggers like this: